શોધો

અભ્યાસ 4

માનવનો પતન: નોહનો પૂર

પગલું 1: વાર્તા વાંચો

નીચેના અંશને વાંચો અથવા સાંભળો

x1.0

6:1પૃથ્વી પર માણસો વધવા લાગ્યાં. તેમાં દીકરીઓના પણ જન્મ થયા, ત્યારે એમ થયું કે, 2ઈશ્વરના દીકરાઓએ જોયું કે માણસોની દીકરીઓ મનમોહક છે. તેઓમાંથી તેઓએ પોતાને માટે તેમને પત્નીઓ તરીકે પસંદ કરી. 3ઈશ્વરે કહ્યું કે, “મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે.”

4ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા.

5ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે. 6તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તે નિરાશ થયા.

7ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશના પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.” 8પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.

નૂહની વૃતાંત

9નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો. 10નૂહને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ.

11ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી. 12ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા.

13ઈશ્વરે નૂહને કહ્યું કે, “હું જોઉં છું કે સર્વ માનવજાત નષ્ટ થવાની છે, કેમ કે પૃથ્વીમાં તેઓની હિંસા અને દુરાચાર વ્યાપી ગયો છે. નિશ્ચે, હું તેઓનો પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ.” 14તું પોતાને સારુ એરેજનાં લાકડાંનું વહાણ બનાવ. તે વહાણમાં રૂમો બનાવ. વહાણની અંદર તથા બહાર ડામર લગાવીને તેનું આવરણ કર. 15તું તેને આ પ્રમાણે બનાવ: એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, પહોળાઈ પચાસ હાથ અને તેની ઊંચાઈ ત્રીસ હાથ હોય. 16વહાણમાં છતથી એક હાથ નીચે બારી બનાવ. અને તું તેમાં નીચેનો, વચ્ચેનો તથા ઉપરનો એવા ત્રણ ખંડો બનાવ. 17સાંભળ, આકાશ નીચેના સર્વ સજીવો કે જેઓમાં જીવનનો શ્વાસ છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવવાનો છું. તેનાથી પૃથ્વી પરનાં સર્વ જીવ મરણ પામશે.

18પણ હું તારી સાથે મારો કરાર કરું છું. તું, તારી સાથે તારા દીકરા, તારી પત્ની અને તારી પુત્રવધુઓને હું વહાણમાં સલામત રાખીશ. 19સર્વ પ્રકારના જાનવરોમાંથી બબ્બે સજીવો, એટલે એક નર તથા એક નારી બચાવવા માટે તારી સાથે તું વહાણમાં લાવ.

20દરેક જાતનાં પક્ષીઓ, પશુઓ તથા પેટે ચાલનારાંઓમાંથી નર અને નારીની એક એક જોડને વહાણમાં લાવ. 21સર્વ પ્રકારની ખાદ્ય સામગ્રી ભેગી કરીને તારી પાસે વહાણમાં તેનો સંગ્રહ કરી રાખ. તે તારે માટે તથા તેઓને માટે ખોરાક થશે. 22ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહે બધાં કામ પૂરાં કર્યાં.

7:1ઈશ્વરે નૂહને કહ્યું, “તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ષ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે. 2દરેક શુદ્ધ પશુઓમાંથી સાત નર અને સાત નારીને લાવ અને અશુદ્ધ પશુઓમાંથી બે નર અને બે નારીને વહાણમાં લે. 3તેની સાથે આકાશના પક્ષીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથી જળપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.

4સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હું પૃથ્વી પરથી નાશ કરીશ.” 5ઈશ્વરે જે સર્વ આજ્ઞા નૂહને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.

6જળપ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ષની હતી. 7જળપ્રલય થવાનો હોવાને કારણે નૂહ, તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ એકસાથે વહાણમાં ગયાં.

8શુદ્ધ તથા અશુદ્ધ પશુઓ, પક્ષીઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વ સજીવો હતા, 9તેઓમાંના દરેક નર તથા નારીની જોડી ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહ પાસે આવ્યાં અને વહાણમાં ગયા. 10સાત દિવસ પછી પૃથ્વી પર જળપ્રલય થયો.

11નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દિવસે જળનિધિના મોટા ઝરા ફૂટી નીકળ્યા અને આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો. 12ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી પૃથ્વી પર સતત વરસાદ વરસ્યો.

13તે જ દિવસે નૂહ, તેના દીકરાઓ શેમ, હામ, યાફેથ તથા તેની પત્ની અને પુત્રવધૂઓ સહિત વહાણમાં ગયો. 14તેઓની સાથે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વન્ય પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પાલતુ પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પેટે ચાલનારાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં મોટાં તથા નાનાં સર્વ પક્ષીઓ વહાણમાં ગયાં.

15સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે તેમાંથી બબ્બે નૂહ પાસે વહાણમાં ગયાં. 16જેઓ વહાણમાં ગયાં તે સર્વ પ્રાણીઓમાં નર તથા નારી હતાં; ઈશ્વરે નૂહને એ માટેની આજ્ઞા આપી હતી. પછી ઈશ્વરે વહાણનું દ્વાર બંધ કર્યું.

17પછી પૃથ્વી પર ચાળીસ રાત દિવસો સુધી જળપ્રલય થયો અને પાણી વધવાથી વહાણ પૃથ્વીની સપાટી પરથી ઊંચકાઈને તરતું થયું. 18પાણીનો પુરવઠો વધ્યો અને પૃથ્વી પર તે ઘણું ઊંચે ચઢ્યું અને વહાણ પાણી પર તરવા લાગ્યું.

19પૃથ્વી પર પાણી એટલું બધું વધ્યું કે પૃથ્વી પરના સર્વ ઊંચા પહાડો પાણીથી ઢંકાઈ ગયા. 20પર્વતોનાં સૌથી ઊંચા શિખર કરતાં પણ પાણીની સપાટી પંદર હાથ જેટલી ઊંચી વધી ગઈ.

21પૃથ્વી પર ફરનારાં સર્વ પશુઓ, પક્ષીઓ, જાનવરો, વન્ય પ્રાણીઓ, જીવજંતુઓ તથા સર્વ માણસો મરણ પામ્યા. 22કોરી ભૂમિ પરનાં સર્વ, જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ સર્વનો નાશ થયો.

23આમ પૃથ્વીના સર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટે ચાલનારાં તથા આકાશના પક્ષીઓ પૃથ્વી પરથી નષ્ટ થયાં. માત્ર નૂહ તથા તેની સાથે જેઓ વહાણમાં હતાં તેઓ જ જીવતાં રહ્યાં. 24પૃથ્વી પર એકસો પચાસ દિવસો સુધી પાણી છવાયેલું રહ્યું.

8:1ઈશ્વરે નૂહના કુટુંબની તથા તેની સાથે જે સર્વ પશુ, પક્ષી તથા સજીવો વહાણમાં હતા તેઓની સંભાળ લીધી. તેમણે પૃથ્વી પર પવન ફૂંકાવ્યો અને પાણીનું પ્રમાણ ઓછું થવા લાગ્યું. 2જળનિધિના ઝરા, આકાશના દ્વારો બંધ થયાં અને વરસાદ વરસતો અટકી ગયો. 3જળપ્રલય શરૂ થયાના એકસો પચાસ દિવસો પછી પૃથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું.

4સાતમા મહિનાને સત્તરમે દિવસે વહાણ અરારાટ પર્વત પર આવીને થંભ્યું. 5પાણી ઓસરતાં ગયાં અને ત્રીજા મહિના પછી અન્ય ઊંચા પહાડોનાં શિખર દેખાયાં.

6ચાળીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડી. 7તેણે એક કાગડાને બહાર મોકલ્યો. પૃથ્વી પરનાં પાણી સુકાયાં નહિ ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો.

8પછી જમીનની સપાટી પર પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા સારુ નૂહે એક કબૂતરને મોકલ્યું, 9પણ આખી પૃથ્વી પર પાણી હોવાને લીધે કબૂતરને પોતાના પગ મૂકવાની જગ્યા મળી નહિ, તેથી તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું.

10બીજા સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી વહાણમાંથી કબૂતરને મોકલ્યું. 11કબૂતર ફરીને સાંજે તેની પાસે પાછું આવ્યું. તેની ચાંચમાં જૈતૂનવૃક્ષનું એક પાંદડું હતું. તેથી નૂહને સમજાયું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે. 12તેણે બીજા સાત દિવસો સુધી રાહ જોઈ અને ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. પણ તે તેની પાસે ફરી પાછું આવ્યું નહિ.

13નૂહની ઉંમર છસો એક વર્ષની થઈ ત્યારે તે વર્ષના પ્રથમ દિવસે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. નૂહે વહાણની છત ઉઘાડીને બહાર જોયું, તો ભૂમિની સપાટી કોરી થયેલી હતી. 14બીજા મહિનાને સત્તાવીસમે દિવસે પૃથ્વી પરની ભૂમિ કોરી થઈ ગઈ હતી.

15પછી ઈશ્વરે નૂહને કહ્યું કે, 16“તું, તારી પત્ની, તારા દીકરાઓ તથા તારી પુત્રવધૂઓ વહાણમાંથી બહાર આવો. 17વળી દરેક જાતનાં પ્રાણીઓને, એટલે પક્ષીઓ, પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વને તારી સાથે બહાર લાવ, કે જેથી તેઓ પૃથ્વી પર સફળ થાય અને વૃદ્ધિ પામે.”

18તેથી નૂહ તેની સાથે તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ સહિત બહાર આવ્યાં. 19દરેક સજીવ પ્રાણી, દરેક પેટે ચાલનારાં, દરેક પક્ષી તથા દરેક જે પૃથ્વી પર ચાલે છે તે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વહાણમાંથી બહાર આવ્યાં.

નૂહ યહોવાહની સ્તુતિ કરે છે

20નૂહે ઈશ્વરને અર્પણ કરવા માટે એક વેદી બાંધી. એ વેદી પર તેણે શુદ્ધ પશુઓમાંથી તથા શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાંકના દહનીયાર્પણ કર્યાં. 21યહોવાહે સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાના હૃદયમાં કહ્યું કે, “બાળપણથી જ માણસના હૃદયનું વલણ દુષ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને નષ્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું. 22પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણીની મોસમ, ઠંડી તથા ગરમી, ઉનાળો તથા શિયાળો અને દિવસ તથા રાત થયા વગર રહેશે નહિ.”

9:1પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. 2પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.

3પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું. 4પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું.

5હું નિશ્ચે તમારા લોહીનો બદલો માગીશ. દરેક પશુ પાસેથી હું બદલો લઈશ. કોઈપણ માણસના હાથ પાસેથી, એટલે કે, જે હાથે તેણે પોતાના ભાઈની હત્યા કરી છે, તેના જીવનો બદલો હું માંગીશ. 6જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે. 7તમે સફળ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ.”

8પછી ઈશ્વરે નૂહ સાથે તથા તેના દીકરાઓ સાથે વાત કરતા કહ્યું, 9“હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ. 10અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.

11તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ.

12ઈશ્વરે કહ્યું, “મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે: 13મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે.

14જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે, 15ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદી જળપ્રલય થશે નહિ.

16મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ.”

17પછી ઈશ્વરે નૂહને કહ્યું, “મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે.”

પગલું 2: વાર્તા ફરીથી કહો

કહાણીને તમારા પોતાના શબ્દોમાં ફરીથી કહેવા માટે થોડો સમય લો. તમે તેને ઉંચે બોલવા અથવા લખવા માંગશો. જો તમને તે યાદ કરવામાં મુશ્કેલી પડે, તો તેને ફરીથી વાંચો અથવા સાંભળો.

પગલું ૩: વાર્તા શોધો

જ્યારે તમને લાગે કે તમે વાર્તા સાથે પરિચિત છો, ત્યારે નીચેના પ્રશ્નો પર વિચાર કરવા અથવા ચર્ચા કરવા માટે થોડો સમય લો.


Get it on Google Play
Download on the App Store

Get Discovery Bible Studies on your phone

Discover copyright ©2015-2026 discoverapp.org

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License.